કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.
મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
source:internate
0 Comments:
Post a Comment