સારું કરનારનું સારું કરનારા બનીએ

 એક દિવસ દીકરાએ માંને કહ્યું, "માં! બધા મુંબઈ જાય છે ને શેઠ બને છે, તો હું'યે મુંબઈ જઈને શેઠિયો બનું."*


💸 માં કહે, "બેટા! આપણા નસીબના પડીયા કાણા છે. શેઠીયાની વાત તો શું વેઠીયા તરીકે'ય કોઈ આપણને રાખવા તૈયાર નથી. ને ઉધારીયા તરીકે આપણને બધા ધૂત્કારે છે. હવે તો ઉછીના'ય આઠ આના કોઈ દેતું નથી. તો શેઠીયાની વાત ક્યાં?" ને બોલતા બોલતા માંની આંખ ભીની થઈ ગઈ.


💸 દીકરાએ માંની આંખ લૂછીને કહ્યું, "માં!તું મારે હાથ મૂક, હું મુંબઈ જાઉં." માં કહે, "બેટા! ટિકિટ ભાડાના પૈસા ક્યાંથી લાવવા?" માંની વાત સાંભળી દીકરો'ય ઢીલો પડી ગયો. પણ.. એણે પ્રભુને પ્રાર્થના કરી એ બજારમાં ગયો, ઉધાર લેવા માટે. ઘણી દુકાને ફર્યો.


💸 છેલ્લે.. એક વેપારીને દયા આવી. એણે ખૂબ સખતાઇ સાથે ને શરમ સાથે 50/- રૂપિયા આપ્યા. 50/- રૂપિયા લઈને એ સીધો મુંબઈ આવ્યો.


------------------------------------

યાદ રહે,

ધરતી પણ કંઇક કરતી હોય છે.

------------------------------------


💸 50/- રૂપિયા લઈ મુંબઈ આવેલા એ યુવાનને નસીબે યારી આપી. ધંધો ખૂબ જામ્યો ને થોડાક જ સમયમાં એક સવારે બેગ લઈ એ પોતાને ગામ આવ્યો. માં તો દીકરાને જોઇ ગાંડી બની ખૂબ રડી. દીકરો કહે, "માં! પહેલા ચાલ, જેણે આપણને ગાડીભાડાના પૈસા આપ્યા'તા, તે શેઠને પગે લાગી આવીએ."


💸 માં-દીકરા શેઠની દુકાને ગયા. શેઠે માં-દીકરાને જોતા જ કહ્યું, "અરે! માણકો ક્યારે આવ્યો?" ને.. માં-દીકરો શેઠના પગમાં પડ્યા. ને માણકાએ કહ્યું, "શેઠ! તમે તો મારા દેવતા! તમારી દયાથી થોડુંક કમાયો, એટલે તમે આપેલા એ ગાડીભાડાના પૈસા પાછા આપવા આવ્યો છું."


💸 આટલું કહી શેઠના પગ પાસે બેગ ખોલી એણે ધડ-ધડ સો-સોની નોટનો ઢગલો કરી દીધો. શેઠ કહે, "માણકા! આ શું કરે છે?" "શેઠ! પૂરા 50,000/- છે. તમારું ઋણ તો ક્યારેય  નહીં ચૂકવી શકું. પણ.. એમાંથી થોડોક તો મુક્ત થાઉં."


💸 શેઠ કહે, "મેં તો 50/- રૂ. જ આપ્યા હતા, એના હું 50,000/- ન લઉં." માણેક કહે, "શેઠ! તમારા એ 50/- રૂપિયાએ આજે લાખો રૂપિયા મને આપ્યા છે. માટે તમે ના ન પાડશો. મારા સોગંદ..." ને માં-દીકરો દુકાનનું પગથીયું ઉતરી ગયા.


💸 પછી તો નસીબે ઓર યારી આપી. એણે મુંબઈમાં મોટી જગ્યા લીધી. પ્રભુનું ઘર મંદિર બનાવ્યું. એમાં રત્નની પ્રતિમા બિરાજમાન કરી. એક દિવસ એક યુવાને એના ઘરે પ્રતિમા ચોરી, પણ.. એ પકડાઈ ગયો.


💸 પકડાયેલા ચોરને પોલીસ ચોકીમાં આપવાના બદલે પોતાની પાસે બેસાડી એને પ્રેમથી પૂછ્યું, "ભાઈ! તે પ્રભુને ચોરવાનું પાપ કેમ કર્યું?" પેલો યુવાન રડી પડ્યો. એણે કહ્યું, "શેઠ! શેર બજારમાં 80,000/- ચૂકવવાના છે. નહીં ચૂકવું તો આપઘાત કરવો જ પડશે, માટે મારે ચોરી કરવી પડી."


💸 આ યુવાને ચોરને પોતાના ઘેર લઈ જઈ જમાડ્યો, ગળે લગાડ્યો ને તિલક કરી એક લાખ રોકડા આપી વિદાય કર્યો. આ દીકરો એટલે બીજો કોઇ નહીં, પણ.. એક જમાનામાં  જેના નામના ગીતો ગવાતા હતા, તે દાનવીર..ધર્મવીર.. શાહ સોદાગર માણેકલાલ ચુનીલાલ શેઠ!


કથા તો અહીં પૂર્ણ કરીએ. પણ.. જરાક વિચારીયે, શેર બજારમાં ફસાયેલા ને ચોરી કરતા પકડાયેલા ચોરને જો લાખ રૂપિયાની મદદ આપી એને ઉગારી લેનાર આ દુનિયામાં છે, તો આપણે કમ સે કમ કોઈ મૂંઝાયેલા ભાઇ-ભાંડુનો મૂંઝારો વધારીએ નહીં, એટલો તો સંકલ્પ કરીએ._


સારું કરનારનું સારું કરનારા બનીએ કે ન બનીએ, પણ.. ખરાબ કરનારનું ખરાબ કરનારા તો ન જ બનીએ. આટલું પણ જો થશે, તો જિંદગી સાર્થક થઇ જશે!!!

    🕉️🕉️🕉️🕉️🕉️

🍃🍂

0 Comments:

blogger templates | Make Money Online