વઢવાણની વિરલ વિભૂતિ - ૦૧

 વઢવાણની વિરલ વિભૂતિ - ૦૧

➖➖➖➖➖➖➖➖➖

નજીકનાં ભૂતકાળની ભવ્યકથા


ઋણાનુબંધ


✍️ આચાર્ય વિજય ઉદયરત્ન સૂરિ મ.સા.


વઢવાણની પાતળી કેડ પર જાણે સુવર્ણનો કંદોરો હોય તેવી ભોગાવો નદી ખળખળ વહી રહી છે. નદીનાં કાંઠે મહાવીર સ્વામી ભગવાનનું નાનકડું મંદિર પાણીમાં પગ પખાળે છે. 


વર્ધમાન સ્વામીનાં નામે ગામનું નામ વઢવાણ પડયું છે. એવી લોકોક્તિ તો ત્યાંનાં જળ-કલ્લોલોમાં વહી રહી છે.


નદીના કિનારે બે ભાઈઓ બેઠા છે. મોટો ભાઈ આજે વઢવાણ આવ્યો છે. તે કહે છે: 'ભાઈ, તું દાન કર, કર્યા જ કર... હું કમાઈશ....'


નાનો ભાઈ કહે છે : 'ભાઈ, ધંધો તમે જ સંભાળો છો. તમારી ઉદારતાના કારણે બધું શક્ય બને છે.'


'રતિભાઈ, ભાગ કદી છૂટો કરવાનો નથી, તારે ધંધો કરવાનો નથી. હું જે કમાઉં છું તે બધું તારા જ પુણ્યથી છે. માટે તું થાય એટલું દાન-ધરમ કર!'


વહેતી નદીના જળ પળભર થીજી ગયા. આવું તો એમણે કદીય સાંભળ્યું ન હતું. પણ વઢવાણના બે ભાઈઓનો કેવો પ્રેમ?


બહુ જૂના જમાનાની વાત નથી. આપણો અવાજ પહોંચી શકે એટલો નજીકનો ભૂતકાળ છે. શાંતિલાલ ને રતિલાલ... બે ભાઈ... જીવણ અબજીના દીકરા,.. માતાનું નામ અચીમા!


અચીમા પિયરથી વઢવાણ જવા ગાડામાં નીકળ્યાં હતાં ને બપોર ટાણું થયું.


ગાડાવાળાને કહે: 'જો ને ભાઈ, કોઈ અતિથિ મળે તો જમાડીને જમીએ.' ત્યાં તો ચાર ઘોડેસવાર દેખાયા. અચીમાએ સાદ દીધો: 'ઓ ભાઈ. આવો લો, રોટલો ખાઈને આગળ જજો!"


ઘોડેસવારો ઊતર્યા. અચીમા ડબ્બા ભરીને નીકળેલાં. ઘોડેસવારોને પ્રેમથી જમાડ્યા ને પોતે જમ્યાં. ઘોડેસવારોનો આગેવાન કહે, 'બહેન! સાવ નિર્જન મારગ છે. હાલો, વઢવાણના પાદર લગી મૂકવા આવું. તારો રોટલો ખાધો છે. વળી તે મને ભાઈ કીધો....


અચીમા ગદગદ થઈ ગયાં: 'તમે કોણ છો?'


 ઘોડેસવાર કહે: 'બહેન,હું જોગીદાસ ખુમાણ! બહારવટિયો. પણ ! તારે માટે તો ભાઈ જ ! લે, ઝાઝું કંઈ નથી. આઠ આના વીર-પસલીમાં સ્વીકાર!'


આવા અચીમાના આ બે દીકરા - શાંતિભાઈ ને રતિભાઈ ! રતિલાલ ખૂબ દાન આપે. કોઈ દીન- દુ:ખી તો ઠીક, ઢોર અને જાનવર પણ આ દયાળુ માનવીના હૈયાને સમજી શકતા.


એમણે ઇન્દોરના રાજાના ઘરડા ઘોડાને બચાવવા ઘોડાની જીવતી કબરમાં ભૂસકો મારેલો ને ઘોડાઓને જિંદગીભર સાચવવા પોતાની અશ્વશાળા ખોલેલી.


કૂતરાને મારી ન નાખે માટે ભારતની સર્વપ્રથમ કૂતરા પાંજરાપોળ ખોલેલી.


અમદાવાદ જગન્નાથ મંદિરના હાથીને થયેલું ગૂમડું મટાડવા દોઢ મહિના સુધી વઢવાણ પોતાના ઘરે સાચવેલો. રોજ 10 મણ લીલા કૂણા ઘાસની પથારી હાથી માટે કરાતી.


ભોગાવો નદીમાં પાણી સુકાઈ જાય. ત્યારે માછલી મરી ન જાય માટે નાના હોજ બનાવીને માછલી બચાવતાં.


અત્યંત ધર્મચુસ્ત, નિરાડંબરી અને નિઃસ્પૃહ ઓલિયો જીવ. ધર્મનિષ્ઠ રતિભાઈ સાથેનો ભાગ છૂટો કરીને શાંતિભાઈ મુંબઈ ગયા ને ધંધામાં જબરી પછડાટ ખાધી. 


મુંબઈથી જ ટ્રંકકોલ કરીને રતિભાઈને કહે : "જો. ભાઈ આપણું બધું મજિયારું જ છે. ઘરે જઈને આખું કુટુંબ ભેગું જમે એવું કર!”


રતિભાઈ કહે: 'ભાઈ, પણ હું કંઈ કમાતો નથી. મારો ભાગ હોય જ નહીં. બધું તમારું જ છે.'


શાંતિભાઈ કહે: 'તારા પુણ્યનું ખાઉં છું. બધું તારું જ છે.'


એક વાર રતિભાઈ સંઘની જાજમ પર બેઠેલા. પ્રતિષ્ઠાની બોલી બોલાતી હતી. એ જમાનામાં 50 હજાર સુધી પહોંચેલી ને ગુરુમહારાજે રતિભાઈ સામે જોઈને કહ્યું: 'બોલ રતિ! બોલ!'


રતિભાઈ ગુરુનું વચન ઠેલી શક્યા નહીં. કહે: '51 હજાર!' ચડાવો આવી ગયો, પણ ગામમાં જયજયકાર ને કુટુંબમાં હાહાકાર થઈ ગયો.


શાંતિભાઈ મુંબઈથી દોડી આવ્યા, 'તારું ખસી ગયું છે? તારું-મારું ઘર- દુકાન ને ઝવેરાત વેચી દઈએ, તોય 51 હજાર થાય તેમ નથી. ભરીશું શી રીતે ?' 


રતિભાઈ કંઈ બોલ્યા નહીં, શાંતિભાઈ ખિન્ન થઈને મુંબઈ પાછા ગયા. પહેલા જ વેપારમાં સાત લાખ કમાયા. વઢવાણ આવી રતિભાઈને કહે: 'રતિ! લાફો માર. તારી શ્રદ્ધાને સમજી ન શક્યો.'


પાલિતાણામાં ગિરિવિહાર ગળેલા પાણીથી બંધાવનાર રતિલાલ જીવણલાલ અને શાંતિલાલ જીવણલાલે પોતાના પિતાનું નામ અમર કરી દીધું.


મુંબઈ-માટુંગા સંઘનો ઉપાશ્રય આજેય જીવણ- અબજી જ્ઞાનમંદિરના નામે ખડો છે.


સાવ નજીકના ભૂતકાળની આ સાવ સાચી ઘટના વઢવાણના નદી કિનારાને બરાબર યાદ છે.


(દિવ્ય ભાસ્કરમાંથી સાભાર..)

0 Comments:

blogger templates | Make Money Online