સારું કરનારનું સારું કરનારા બનીએ

 એક દિવસ દીકરાએ માંને કહ્યું, "માં! બધા મુંબઈ જાય છે ને શેઠ બને છે, તો હું'યે મુંબઈ જઈને શેઠિયો બનું."*


💸 માં કહે, "બેટા! આપણા નસીબના પડીયા કાણા છે. શેઠીયાની વાત તો શું વેઠીયા તરીકે'ય કોઈ આપણને રાખવા તૈયાર નથી. ને ઉધારીયા તરીકે આપણને બધા ધૂત્કારે છે. હવે તો ઉછીના'ય આઠ આના કોઈ દેતું નથી. તો શેઠીયાની વાત ક્યાં?" ને બોલતા બોલતા માંની આંખ ભીની થઈ ગઈ.


💸 દીકરાએ માંની આંખ લૂછીને કહ્યું, "માં!તું મારે હાથ મૂક, હું મુંબઈ જાઉં." માં કહે, "બેટા! ટિકિટ ભાડાના પૈસા ક્યાંથી લાવવા?" માંની વાત સાંભળી દીકરો'ય ઢીલો પડી ગયો. પણ.. એણે પ્રભુને પ્રાર્થના કરી એ બજારમાં ગયો, ઉધાર લેવા માટે. ઘણી દુકાને ફર્યો.


💸 છેલ્લે.. એક વેપારીને દયા આવી. એણે ખૂબ સખતાઇ સાથે ને શરમ સાથે 50/- રૂપિયા આપ્યા. 50/- રૂપિયા લઈને એ સીધો મુંબઈ આવ્યો.


------------------------------------

યાદ રહે,

ધરતી પણ કંઇક કરતી હોય છે.

------------------------------------


💸 50/- રૂપિયા લઈ મુંબઈ આવેલા એ યુવાનને નસીબે યારી આપી. ધંધો ખૂબ જામ્યો ને થોડાક જ સમયમાં એક સવારે બેગ લઈ એ પોતાને ગામ આવ્યો. માં તો દીકરાને જોઇ ગાંડી બની ખૂબ રડી. દીકરો કહે, "માં! પહેલા ચાલ, જેણે આપણને ગાડીભાડાના પૈસા આપ્યા'તા, તે શેઠને પગે લાગી આવીએ."


💸 માં-દીકરા શેઠની દુકાને ગયા. શેઠે માં-દીકરાને જોતા જ કહ્યું, "અરે! માણકો ક્યારે આવ્યો?" ને.. માં-દીકરો શેઠના પગમાં પડ્યા. ને માણકાએ કહ્યું, "શેઠ! તમે તો મારા દેવતા! તમારી દયાથી થોડુંક કમાયો, એટલે તમે આપેલા એ ગાડીભાડાના પૈસા પાછા આપવા આવ્યો છું."


💸 આટલું કહી શેઠના પગ પાસે બેગ ખોલી એણે ધડ-ધડ સો-સોની નોટનો ઢગલો કરી દીધો. શેઠ કહે, "માણકા! આ શું કરે છે?" "શેઠ! પૂરા 50,000/- છે. તમારું ઋણ તો ક્યારેય  નહીં ચૂકવી શકું. પણ.. એમાંથી થોડોક તો મુક્ત થાઉં."


💸 શેઠ કહે, "મેં તો 50/- રૂ. જ આપ્યા હતા, એના હું 50,000/- ન લઉં." માણેક કહે, "શેઠ! તમારા એ 50/- રૂપિયાએ આજે લાખો રૂપિયા મને આપ્યા છે. માટે તમે ના ન પાડશો. મારા સોગંદ..." ને માં-દીકરો દુકાનનું પગથીયું ઉતરી ગયા.


💸 પછી તો નસીબે ઓર યારી આપી. એણે મુંબઈમાં મોટી જગ્યા લીધી. પ્રભુનું ઘર મંદિર બનાવ્યું. એમાં રત્નની પ્રતિમા બિરાજમાન કરી. એક દિવસ એક યુવાને એના ઘરે પ્રતિમા ચોરી, પણ.. એ પકડાઈ ગયો.


💸 પકડાયેલા ચોરને પોલીસ ચોકીમાં આપવાના બદલે પોતાની પાસે બેસાડી એને પ્રેમથી પૂછ્યું, "ભાઈ! તે પ્રભુને ચોરવાનું પાપ કેમ કર્યું?" પેલો યુવાન રડી પડ્યો. એણે કહ્યું, "શેઠ! શેર બજારમાં 80,000/- ચૂકવવાના છે. નહીં ચૂકવું તો આપઘાત કરવો જ પડશે, માટે મારે ચોરી કરવી પડી."


💸 આ યુવાને ચોરને પોતાના ઘેર લઈ જઈ જમાડ્યો, ગળે લગાડ્યો ને તિલક કરી એક લાખ રોકડા આપી વિદાય કર્યો. આ દીકરો એટલે બીજો કોઇ નહીં, પણ.. એક જમાનામાં  જેના નામના ગીતો ગવાતા હતા, તે દાનવીર..ધર્મવીર.. શાહ સોદાગર માણેકલાલ ચુનીલાલ શેઠ!


કથા તો અહીં પૂર્ણ કરીએ. પણ.. જરાક વિચારીયે, શેર બજારમાં ફસાયેલા ને ચોરી કરતા પકડાયેલા ચોરને જો લાખ રૂપિયાની મદદ આપી એને ઉગારી લેનાર આ દુનિયામાં છે, તો આપણે કમ સે કમ કોઈ મૂંઝાયેલા ભાઇ-ભાંડુનો મૂંઝારો વધારીએ નહીં, એટલો તો સંકલ્પ કરીએ._


સારું કરનારનું સારું કરનારા બનીએ કે ન બનીએ, પણ.. ખરાબ કરનારનું ખરાબ કરનારા તો ન જ બનીએ. આટલું પણ જો થશે, તો જિંદગી સાર્થક થઇ જશે!!!

    🕉️🕉️🕉️🕉️🕉️

🍃🍂

અનંતનાથ ભગવાન

 પ્રભુ શ્રી અનંતનાથ ભગવાનને ઓળખો..

-------------------------------------------

(૦૧) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ - ત્રણ.


(૦૨) જન્મ સ્થળ અને દિક્ષા સ્થળ - અયોધ્યા નગરી.


(૦૩) તીર્થંકર નામકર્મ - પદ્મરથરાજાના ભવમાં.


(૦૪) દેવલોકનો અંતિમ ભવ - પ્રાણત દેવલોક.


(૦૫) ચ્યવન કલ્યાણક - અષાઢ વદ-૭, રેવતી નક્ષત્ર અને અયોધ્યા નગરીમાં.


(૦૬) માતાનું નામ - સુયશા રાણી અને પિતાનું નામ - સિંહસેન રાજા.


(૦૭) વંશ - ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર - કાશ્યપ.


(૦૮) ગર્ભવાસ-૯ માસ અને છ દિવસ.


(૦૯) લાંછન-સિંચાણો(બાજ પક્ષી) અને વર્ણ-સુવર્ણ.


(૧૦) જન્મ કલ્યાણક - ચૈત્ર વદ- ૧૩, પુષ્ય નક્ષત્રમાં.


(૧૧) શરીર પ્રમાણ - ૫૦ ધનુષ્ય.


(૧૨) દિક્ષા કલ્યાણક - ચૈત્ર વદ- ૧૪, રેવતી નક્ષત્રમાં.


(૧૩) કેટલા જણ સાથે દિક્ષા - ૧૦૦૦ રાજાઓ સાથે.


(૧૪) દિક્ષા શીબીકા - સાગરદત્તા અને દિક્ષા તપ - છઠ્ઠ.


(૧૫) પ્રથમ પારણું - વર્ધમાન નગરમાં વિજય રાજાએ ખીરથી કરાવ્યું.


(૧૬) છદ્મસ્થા અવસ્થા - ત્રણ વર્ષ.


(૧૭) કેવલજ્ઞાન કલ્યાણક - છઠ્ઠ તપ, અયોધ્યામાં  અશોકવૃક્ષની નીચે ચૈત્ર વદ- ૧૪, રેવતી નક્ષત્રમાં થયું.


(૧૮) શાસનદેવ - પાતાળ યક્ષ અને શાસનદેવી - અંકુશા દેવી.


(૧૯) ચૈત્યવ્રુક્ષની ઉંચાઈ-  ૬૦૦ ધનુષ.


(૨૦) પ્રથમ દેશનાનો વિષય- લોક સ્વરૂપ ભાવના અને નવ તત્ત્વનું સ્વરૂપ.


(૨૧) સાધુ - ૬૬,૦૦૦ અને સાધ્વીજી- પદ્મા આદિ ૬૨,૦૦૦.


(૨૨) શ્રાવક - ૨,૦૬,૦૦૦  અને શ્રાવિકા  - ૪,૧૪,૦૦૦.


(૨૩) કેવળજ્ઞાની - ૫,૦૦૦, મન:પર્યવજ્ઞાની - ૫,૦૦૦ અને અવધિજ્ઞાની - ૪,૩૦૦.


(૨૪) ચૌદપૂર્વધર -૧,૦૦૦ અને વૈક્રિયલબ્ધિઘર - ૮,૦૦૦ તથા વાદી - ૩,૨૦૦.


(૨૫) આયુષ્ય - ૩૦ લાખ વર્ષ


(૨૬) નિર્વાણ કલ્યાણક- ચૈત્ર સુદ - ૫, પુષ્ય નક્ષત્રમાં.


(૨૭) મોક્ષ સ્થળ- સમ્મેતશિખર, 

મોક્ષતપ-માસક્ષમણ

મોક્ષાસન - કાયોત્સર્ગાસન.


(૨૮) મોક્ષ સાથે - ૭,૦૦૦ સાધુ


(૨૯) ગણધર - યશ આદિ - ૫૦


(૩૦) શ્રી ધર્મનાથ પ્રભુનું અંતર - ચાર સાગરોપમ.

વઢવાણની વિરલ વિભૂતિ - ૦૧

 વઢવાણની વિરલ વિભૂતિ - ૦૧

➖➖➖➖➖➖➖➖➖

નજીકનાં ભૂતકાળની ભવ્યકથા


ઋણાનુબંધ


✍️ આચાર્ય વિજય ઉદયરત્ન સૂરિ મ.સા.


વઢવાણની પાતળી કેડ પર જાણે સુવર્ણનો કંદોરો હોય તેવી ભોગાવો નદી ખળખળ વહી રહી છે. નદીનાં કાંઠે મહાવીર સ્વામી ભગવાનનું નાનકડું મંદિર પાણીમાં પગ પખાળે છે. 


વર્ધમાન સ્વામીનાં નામે ગામનું નામ વઢવાણ પડયું છે. એવી લોકોક્તિ તો ત્યાંનાં જળ-કલ્લોલોમાં વહી રહી છે.


નદીના કિનારે બે ભાઈઓ બેઠા છે. મોટો ભાઈ આજે વઢવાણ આવ્યો છે. તે કહે છે: 'ભાઈ, તું દાન કર, કર્યા જ કર... હું કમાઈશ....'


નાનો ભાઈ કહે છે : 'ભાઈ, ધંધો તમે જ સંભાળો છો. તમારી ઉદારતાના કારણે બધું શક્ય બને છે.'


'રતિભાઈ, ભાગ કદી છૂટો કરવાનો નથી, તારે ધંધો કરવાનો નથી. હું જે કમાઉં છું તે બધું તારા જ પુણ્યથી છે. માટે તું થાય એટલું દાન-ધરમ કર!'


વહેતી નદીના જળ પળભર થીજી ગયા. આવું તો એમણે કદીય સાંભળ્યું ન હતું. પણ વઢવાણના બે ભાઈઓનો કેવો પ્રેમ?


બહુ જૂના જમાનાની વાત નથી. આપણો અવાજ પહોંચી શકે એટલો નજીકનો ભૂતકાળ છે. શાંતિલાલ ને રતિલાલ... બે ભાઈ... જીવણ અબજીના દીકરા,.. માતાનું નામ અચીમા!


અચીમા પિયરથી વઢવાણ જવા ગાડામાં નીકળ્યાં હતાં ને બપોર ટાણું થયું.


ગાડાવાળાને કહે: 'જો ને ભાઈ, કોઈ અતિથિ મળે તો જમાડીને જમીએ.' ત્યાં તો ચાર ઘોડેસવાર દેખાયા. અચીમાએ સાદ દીધો: 'ઓ ભાઈ. આવો લો, રોટલો ખાઈને આગળ જજો!"


ઘોડેસવારો ઊતર્યા. અચીમા ડબ્બા ભરીને નીકળેલાં. ઘોડેસવારોને પ્રેમથી જમાડ્યા ને પોતે જમ્યાં. ઘોડેસવારોનો આગેવાન કહે, 'બહેન! સાવ નિર્જન મારગ છે. હાલો, વઢવાણના પાદર લગી મૂકવા આવું. તારો રોટલો ખાધો છે. વળી તે મને ભાઈ કીધો....


અચીમા ગદગદ થઈ ગયાં: 'તમે કોણ છો?'


 ઘોડેસવાર કહે: 'બહેન,હું જોગીદાસ ખુમાણ! બહારવટિયો. પણ ! તારે માટે તો ભાઈ જ ! લે, ઝાઝું કંઈ નથી. આઠ આના વીર-પસલીમાં સ્વીકાર!'


આવા અચીમાના આ બે દીકરા - શાંતિભાઈ ને રતિભાઈ ! રતિલાલ ખૂબ દાન આપે. કોઈ દીન- દુ:ખી તો ઠીક, ઢોર અને જાનવર પણ આ દયાળુ માનવીના હૈયાને સમજી શકતા.


એમણે ઇન્દોરના રાજાના ઘરડા ઘોડાને બચાવવા ઘોડાની જીવતી કબરમાં ભૂસકો મારેલો ને ઘોડાઓને જિંદગીભર સાચવવા પોતાની અશ્વશાળા ખોલેલી.


કૂતરાને મારી ન નાખે માટે ભારતની સર્વપ્રથમ કૂતરા પાંજરાપોળ ખોલેલી.


અમદાવાદ જગન્નાથ મંદિરના હાથીને થયેલું ગૂમડું મટાડવા દોઢ મહિના સુધી વઢવાણ પોતાના ઘરે સાચવેલો. રોજ 10 મણ લીલા કૂણા ઘાસની પથારી હાથી માટે કરાતી.


ભોગાવો નદીમાં પાણી સુકાઈ જાય. ત્યારે માછલી મરી ન જાય માટે નાના હોજ બનાવીને માછલી બચાવતાં.


અત્યંત ધર્મચુસ્ત, નિરાડંબરી અને નિઃસ્પૃહ ઓલિયો જીવ. ધર્મનિષ્ઠ રતિભાઈ સાથેનો ભાગ છૂટો કરીને શાંતિભાઈ મુંબઈ ગયા ને ધંધામાં જબરી પછડાટ ખાધી. 


મુંબઈથી જ ટ્રંકકોલ કરીને રતિભાઈને કહે : "જો. ભાઈ આપણું બધું મજિયારું જ છે. ઘરે જઈને આખું કુટુંબ ભેગું જમે એવું કર!”


રતિભાઈ કહે: 'ભાઈ, પણ હું કંઈ કમાતો નથી. મારો ભાગ હોય જ નહીં. બધું તમારું જ છે.'


શાંતિભાઈ કહે: 'તારા પુણ્યનું ખાઉં છું. બધું તારું જ છે.'


એક વાર રતિભાઈ સંઘની જાજમ પર બેઠેલા. પ્રતિષ્ઠાની બોલી બોલાતી હતી. એ જમાનામાં 50 હજાર સુધી પહોંચેલી ને ગુરુમહારાજે રતિભાઈ સામે જોઈને કહ્યું: 'બોલ રતિ! બોલ!'


રતિભાઈ ગુરુનું વચન ઠેલી શક્યા નહીં. કહે: '51 હજાર!' ચડાવો આવી ગયો, પણ ગામમાં જયજયકાર ને કુટુંબમાં હાહાકાર થઈ ગયો.


શાંતિભાઈ મુંબઈથી દોડી આવ્યા, 'તારું ખસી ગયું છે? તારું-મારું ઘર- દુકાન ને ઝવેરાત વેચી દઈએ, તોય 51 હજાર થાય તેમ નથી. ભરીશું શી રીતે ?' 


રતિભાઈ કંઈ બોલ્યા નહીં, શાંતિભાઈ ખિન્ન થઈને મુંબઈ પાછા ગયા. પહેલા જ વેપારમાં સાત લાખ કમાયા. વઢવાણ આવી રતિભાઈને કહે: 'રતિ! લાફો માર. તારી શ્રદ્ધાને સમજી ન શક્યો.'


પાલિતાણામાં ગિરિવિહાર ગળેલા પાણીથી બંધાવનાર રતિલાલ જીવણલાલ અને શાંતિલાલ જીવણલાલે પોતાના પિતાનું નામ અમર કરી દીધું.


મુંબઈ-માટુંગા સંઘનો ઉપાશ્રય આજેય જીવણ- અબજી જ્ઞાનમંદિરના નામે ખડો છે.


સાવ નજીકના ભૂતકાળની આ સાવ સાચી ઘટના વઢવાણના નદી કિનારાને બરાબર યાદ છે.


(દિવ્ય ભાસ્કરમાંથી સાભાર..)

blogger templates | Make Money Online