પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે 'ચાઈનીઝ ભેળ'. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અનેફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !)
સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાના શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે'પીવા'ના પણ શોખીન છે. આ 'પીવા'નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ 'પીવાય' છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
આપણે ગુજરાતીઓ ….. ભાગ 5
Subscribe to:
Post Comments (Atom)
0 Comments:
Post a Comment