ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.
ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા 'ફ્લેક્સિબલ' ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.
વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ...ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે'અમે, અમારા જમાનામાં બહુ રમતા'તા હોં ભઈ!'
વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
આપણે ગુજરાતીઓ ….. ભાગ 6
Subscribe to:
Post Comments (Atom)
0 Comments:
Post a Comment