શિવાજીનું હાલરડું

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.


- ઝવેરચંદ મેઘાણી

ઊંબરે ઊભી સાંભળું રે

ઊંબરે ઊભી સાંભળું રે બોલ
વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.


ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઊંબરે ઊભી સાંભળું રે
બોલ વાલમના.


કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું
લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે
બોલ વાલમના.


આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું
લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે
બોલ વાલમના.
ઘરમાં સૂતી
સાંભળું રે બોલ વાલમના.

-મણિલાલ દેસાઈ

આભારસહ http://layastaro.com માંથી

source:internate


લવિંગ કેરી લાકડિએ

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !


આભારસહ http://jamnagar123.blogspot.com માંથી

source:internate

Google's 10th Birthday

Google is celebrating its 10th Anniversary

Happy Birthday to G@@GLE

Visit the following site to read more

http://googleblog.blogspot.com/2008/09/ten-years-and-counting.html

or

click here

Contributed by Alpesh Shah Links to this post

ઢોલીડા ઢોલ ધીમો

ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, નોરતાની રાતનો,
જો જે રંગ જાયના…………(2)
ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય ના,
નોરતાની રાતનો જો જે રંગ જાયના…….ઢોલીડા
બજ્યો છે રાસને મચાવે શોર,
થનગનતાં હૈયામાં નાચે છે મોર,
પૂનમની રાતના દર્શન ભૂલાયના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના…….ઢોલીડા
વાઘની સવારી ને હાથ હજારનાં,
મોગરાની માળાને ફૂલડાંનો હાર,
સોળે શણગાર ને દર્શન ભૂલાય ના…….ઢોલીડા
ગરબે રમે છે માડી નર ને નાર,
રૂદિયો ખોલીને કરું છું પોકાર,
ઘાયલ રૂદિયાને રોક્યું રોકાય ના……..ઢોલીડા
ગાવું ગવરાવવું એવી આશમાં,
દાસ દોડીને આવે છે પાસમાં,
દર્શન દઈને મા પાછા જવાય ના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના……ઢોલીડા



આભારસહ http://pratiknaik.wordpress.com માંથી

Source: Internet

સમરો મંત્ર બડો નવકાર

સમરો મંત્ર બડો નવકાર
એ છે ચૌદ પૂરવનો સાર
એહના મહિમાનો નહીં પાર
એના
અર્થ અનંત અપાર


સુખમાં સમરો, દુ:ખમાં સમરો
સમરો દિવસને રાત
જીવતા સમરો, મરતા સમરો
સમરો
સૌ સંગાથ


યોગી સમરે, ભોગી સમરે
સમરે રાજા રંક
દેવો સમરે, દાનવ સમરે
સમરે સૌ
નિ:શંક


અડસઠ અક્ષર એહ ના જાણો
અડસઠ તીરથ સાર 
આઠ સંપદાથી પર માણો
અષ્ટસિધ્ધી
દાતાર


નવપદ એહના નવનિધી આપે
ભવભવના દુઃખ કાપે 
વીરવચનથી હ્રદય સ્થાપે
પરમાતમ
પદ આપે 


આભારસહ http://tahuko.com માંથી

source:internate

એક ઝાડ માથે ઝુમખડું

એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..


એક સરોવર પાળે આંબલિયો
આંબલિયે ઝૂલતી ડાળ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..


એક આંબા ડાળે કોયલડી
એનો મીઠો મીઠો સાદ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..


એક નરને માથે પાઘલડી
પાઘડીયે ફૂમતા લાલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..


એક ભાલે કંકુ ચાંદલિયો
એના રાતા રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..


આભારસહ http://tahuko.com માંથી

source:internate

ચારણ-કન્યા

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાંવાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે આંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ !લસ ! કરતી જીભ ઝુલાવે.

બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડ્ગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા !તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઊઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણમેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

–ઝવેરચંદ મેઘાણી

આભારસહ http://kapilnusahitya.wordpress.com માંથી

Source: Internet

મીઠી માથે ભાત

(દોહા)



ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,


ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.


સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,


ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.


નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ,


રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.


પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,


મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.


શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,


વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.


કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,


રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.


ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,


બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર.


સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ,


સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.


પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,


રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.




(ભુજંગી)


કહે મા, મીઠી લે
હવે ભાત આપું,


કીકો લાવ મારી કને, જા તું બાપુ.


હજી ઘેર આતા નથી તુજ
આવ્યા,


ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.


ભલે લાવ,
બા, જાઉં હું ભાત દેવા,


દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?


મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,


દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.


કહી એમ માથે લઈ ભાત ચાલી,


મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.




(દોહરો)


વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,


ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.


ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,


સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.


હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,


એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત.


બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,


થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.


ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં ઝકડાઈ,


મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ.


વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ !


વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂની બની સૌ વાટ !


સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,


રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.


પ્હોંચી ઘેર પાંચો કરે મીઠી!
મીઠી! સાદ :


મારે તો
મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ
.


પટલાણી આવી કહે: મેલી છે
મેં ભાત,


મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?


મળી નથી
મીઠી મને મારગ ધોરી વાટ,


કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !


બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,


ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ.


નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,


ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ.


મીઠી !
મીઠી !
પાડતાં બૂમ ઘણી માબાપ,


જવાબ પાછો ના મળે તેથી કર વિલાપ.


પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,


તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.


ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન?


મીઠી કાં મેલી ગઈ? બોલે નહિ
કંઈ રાન.


વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,


મીઠી કેરી ઓઢણીપોકે
પોકે રોય.


હા !
મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !


ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર.


નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ,


મીઠી!
મીઠી!
નામથી રડતાં આખી વાટ.


વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત,


તો પણ દેખા દે કદી મીઠે માથે ભાત.


—વિઠ્ઠલરાય આવસત્થી

આભારસહ http://tahuko.com માંથી

Source: Internate

જળકમળ છાંડી જાને


જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે ...

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ ...

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ ...

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો ...

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો ...

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ ...

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ...

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો ...

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો ...

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે ...

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને ...

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો ...


- નરસિંહ મહેતા


આભારસહ http://www.rankaar.com માંથી

source : Internet

આજની ઘડી તે રળિયામણી

હો…. મારે આજની ઘડી તે રળિયામણી,

હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,

મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.


હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,

મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.


હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,

મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.


હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ

માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.


હા જી રે તન, મન, ધન, ઓવારિયે,

મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.



જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,

મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.


-


source:internate

જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને



દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં

કઢિયેલ દૂધ તે કોણ પીશે ?

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો

ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને


જમુનાને તીરે ગૌધણ ચરાવતાં

મધુરીશી મોરલી કોણ વહાશે ?

ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે

બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

-નરસૈંયો

source:internate

શ્રી રામચંદ્ર

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્

નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર

કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,

પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર


ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્

રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ …       શ્રી રામચંદ્ર


શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્

આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર


ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્

મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્ … શ્રી રામચંદ્ર

Source : Internet

હું કરું હું કરું

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન ખેંચે
એવું મનમાં રાખવું તેનાં કરતાં જીવનદોરી પ્રભુને સોંપવી શું ખોટી?

-"નરસિંહ મહેતા"

આભારસહ http://www.readgujarati.com માંથી

Source : Internet

હનુમાન ચાલીસા


શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારિ,

બરનઉં રઘુવર બિમલ જસુ, જો દાયક ફલ ચાર.

બુધ્ધિ હિન તનુ જાનિ કે, સૂમિરૌ, પવન કુમાર,

બલ, બુધ્ધિ, વિધ્યાદેહુ મોહિ હરહુ કલેસ વિકાર.



જય હનુમાન જ્ઞાન ગુન સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર.


રામદૂત અતુલિત બલ ધામા, અંજનિ પુત્ર પવનસુત નામા.


મહાબીર બિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી.


કંચન બરન બિરાજ સુબેસા, કાનલ કુંડલ કુંચિત કેસા.


હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ, કાંધે મુંજ જનેઉં સાજે.


શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન.


વિધ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર.


પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા.


સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા, બિકટ રુપ ધરી લંક જરાવા.


ભીમરુપ ધરિ અસુર સંહરિ, રામચંન્દ્ર કે કાજ સંવરિ.


લાય સજીવન લખન જિયાયે, શ્રી રઘુવીર હરષિ ઉર લાયે.


રઘુપતિ કીન્હીં બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ.


સહસ્ત્ર બદન તુમ્હરો જસ ગાવૈ, અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ.


સનકાદિક બ્રાદિ મુનીસા, નારદ સારદ સહિત અહીંસા.


જમ કુબેર દિગપાલ જહાં તે, કવિ કોવિદ કહિ સકે કહાં તે.


તુમ ઉપકાર સુગ્રીવહી કીન્હાં, રામ મિલાય રાજપદ દીન્હાં.


તુમ્હરો મંત્ર બિભીષન માના, લંકેશ્ર્વર ભયે સબ જાના.


જાુગ સહસ્ત્ર જોજન પર ભોનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનુ.


પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં, જલધિ લાંધી ગયે અચરજ નાહીં.


દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.


રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે.


સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રષક કાહુ કો રડના.


આપન તેજ સમ્હારૌ આપે, તીનો લોક હાંક તે કાંપે.


ભુત પિસાચ નિકટ નહિં આવૈ, મહા બીર જબ નામ સુનાવૈ.


નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બિરા.


સંકટ સે હનુમાન છુડાવૈ, મન કર્મ વચન ધ્યાન જો લાવૈ.


સબ પર કામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા.


ઔર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે.


ચારો જુગ પરતાપ તુમ્હારા, હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા.


સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે.


અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા.


રામ રસાયન તુમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા.


તુમ્હરે ભજન રામકો પાવે, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ.


અન્ત કાલ રઘુબર પુર જાઈ, જહાં જન્મ હરી ભકત કહાઈ.


ઔર દેવતા ચિત ન ધરઈ, હનુમંત સેઈ સર્વ સુખ કરઈ.


સંકટ કટે મિટૈ સબ પીરા, જો સુમરિ હનુમંત બલવીરા.


જૈ, જૈ, જૈ, હનુમાન ગોસાઈ, કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ.


જો સતબાર પાઠ કર કોઈ, છુટહિ બન્દિ મહા સુખ હોઈ.


જો યહ પઢૌ હનુમાન ચાલીસા, હોય સિધ્ધિ સાખી ગૌરીસા.


તુલસીદાસ સદા હરિ ચેરા, કીજે નાથ હદય મહં ડેરા.



પવન તનય સંકટ હરણ મંગલ મૂરત રુપ

રામલખનસીતા સહિત હદયબસહુ સુરભૂપ


-તુલસીદાસ

source:internate


એક મૂરખને એવી ટેવ

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ 'અખા' વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

- અખો

આભારસહ http://dhavalshah.com માંથી

Source: Internet

મંદિર તારું

મંદિર તારું વિશ્વ રૂપાળું,

સુંદર સરજનહારા રે;


પળપળ તારાં દર્શન થાયે,

દેખે દેખણહારા રે.


નહિ પૂજારી નહિ કોઇ દેવા,

નહિં મંદિરને તાળાં રે;


નીલ ગગનમાં મહિમા ગાતા,

ચાંદો સૂરજ તારા રે.


વર્ણન કરતાં શોભા તારી,

થાક્યા કવિગણ ધીરા રે;


મંદિરમાં તું ક્યાં છુપાયો,

શોધે બાળ અધીરાં રે.





- જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’

આભારસહ http://amitpisavadiya.wordpress.com માંથી



Source : Internet

હું તો કાગળિયાં

હું તો કાગળિયાં લખી લખી થાકી,

કાનુડા તારા મનમાં નથી.


આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,

મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,

પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..


આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,

મારા પાવનિયાં બળી બળી જાય રે,

છોગાળા તારા મનમાં નથી….. હું તો…..


આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,

મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,

કાનુડા તારા મનમાં નથી.


હું તો કાગળિયાં લખી લખી થાકી,

કાનુડા તારા મનમાં નથી.

આભારસહ http://amitpisavadiya.wordpress.com માંથી

Source : Internet

મોતી ટપક્યું

મોતી ટપક્યું,

એ નશીલી આંખોથી,

ભીંજાયું દીલ.






આભારસહ http://swaranjali.wordpress.com/ માંથી


Source : Internet

તિલક કરતાં ત્રેપન થયાં

તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યો હરિને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

- અખો

Source: Internet

તારી પાંપણ

તારી પાંપણ
સળિયા પાછળ 'હું'
પુરાયો જલ્દી

Source: Internet

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પુનમનો પાગલ એકલો

આજ પીધું દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રિત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો
તારા રૂપની પુનમનો પાગલ એકલો, તારી આંખનો અફીણી…

આંખોની પડખે જ પરબડી આંખો જુએથી આવો
અદલ-બદલ તન મનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગનગરનો રસીયો નાગર એકલો
તારા રૂપની પુનમનો પાગલ એકલો, તારી આંખનો અફીણી…

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પુનમનો પાગલ એકલો

-વેણીભાઈ પુરોહિત


આભારસહ http://rankaar.com/ માંથી

નજરનાં જામ

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ….

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ….

થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે, નજરના જામ….

- બરકત વિરાણી ‘બેફામ’

Source : Internet

વૈષ્ણવજન

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-"નરસિંહ મહેતા"

Source : Internet

આવકારો મીઠો આપજે

હે...જી...તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો...આપજે રે જી...

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...
કાપજે રે જી...

માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...


-દુલા ભાયા 'કાગ'

Source : Internet

અખિલ બ્રહ્માંડમાં

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે

દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

પવન તું, પાણી તું, ભૂધરા!

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

શિવ થકી જીવ થયો એજ આશે..

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં

અંતે તો હેમનું હેમ હોયે..

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી

જેહને જે ગમે તેને પૂજે

મન-વચન-કર્મથી આપ માની લહે,

સત્ય છે એજ મન એમ સૂઝે..

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એજ પાસે,

ભણે નરસૈયો એ મન તણી શોધના,

પ્રીત કરૂં, પેમથી પ્રગટ થાશે..

- નરસિંહ મહેતા


Source : Internet

તારા વિના શ્યામ

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…


Source: Internet

લાગ્યો કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…

પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

-"ઝવેરચંદ મેઘાણી"

Source: Internet

blogger templates | Make Money Online