કૃષ્ણ – સુદામાનો મેળાપ

“મારો બાળસ્નેહી સુદામો રે,

હું દુખિયાનો વિસામો રે;”

ઊઠી ધાયા જાદવરાય રે,

નવ પહેર્યાં મોજાં પાય રે.


પીંતાબર ભૂમિ ભરાય રે,

રાણી રુક્મિણી ઊંચાં સાય રે;

અતિ આનંદે ફૂલી કાય રે,

હરો દોડે ને શ્વાસે ભરાય રે.


પડે-આખડે બેઠા થાય રે,

એક પળ તે જુગ જેવી જાય રે;

સ્ત્રીઓને કહી ગયા ભગવાન રે,

“પૂજાથાળ કરો સાવધાન રે.


હું જે ભોગવું રાજ્યાસન રે,

તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે;

જે કોઇ નમશે એના ચરણ ઝાલી રે,

તે નારી સહુપેં મને વહાલી રે.”


તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે,

સામગ્રી પૂજાની કરતી રે;

સહુ કહે, માંહોમાંહી, “બાઇ રે,

કેવા હશે શ્રીકૃષ્ણના ભાઇ રે?


જેને શામળિયાશું સ્નેહ રે,

હશે કંદર્પ સરખો દેહ રે;”

લઇ પૂજાના ઉપહાર રે,

રહી ઊભી સોળ હજાર રે.


“બાઇ લોચનનું સુખ લીજે રે,

આજ જેઠનું દર્શન કીજે રે;”

ઋષિ શુક્રજી કહે સુણ રાય રે,

શામળિયોજી મળવા જાય રે.


છબીલાજીએ છૂટી ચાલે રે,

દીધી દોટ તે દીનદયાળે રે;

સુદામે દીઠા કૃષ્ણદેવ રે,

છૂટ્યાં આંસુ શ્રાવણનેવ રે.


જુએ કૌતુક ચારે વર્ણ રે,

ક્યાં આ વિપ્ર? ક્યાં આ અશરણશર્ણ રે;

જુએ દેવ વિમાને ચડિયા રે,

પ્રભુ ઋષિજીને પાયે પડિયા રે.


હરિ ઉઠાડ્યા ગ્રહી હાથ રે,

ઋષિજી લીધા હૈડા સાથ રે;

ભુજ-બંધન વાંસા પૂંઠે રે,

પ્રેમનાં આલિંગન નવ છૂટે રે.


મુખ અન્યોન્યે જોયાં રે,

હરિનાં આંસુ સુદામે લોયાં રે,

તુંબીપાત્ર ઉલાળીને લીધું રે,

દાસત્વ દયાળે કીધું રે.


“ઋષિ, પાવન કર્યું મુજ ગામ રે,

હવે પવિત્ર કરો મુજ ધામ રે,”

તેડી આવ્યા વિશ્વાધાર રે,

મંદિરમાં હરખથી અપાર રે.


જોઇ હાસ્ય કરે સૌ નારી રે,

આ તો રૂડી મિત્રચારી રે!

ઘણુ વાંકાબોલા સત્યભામા રે,

“આ શું ફૂટડા મિત્ર સુદામા રે!


હરિ અહીંથી ઊઠી શું ધાયા રે!

ભલી નાનપણની માયા રે;

ભલી જોવા સરખી જોડી રે,

હરિને સાંધો, એને સખોડી રે!


જો કોઇ બાળક બહાર નીકળશે રે,

તે તો કાકાને દેખી છળશે રે;”

તવ બોલ્યાં રુક્મિણી રાણી રે,

“તમે બોલો છો શું જાણી રે?”


વલણ


શું બોલો વિસ્મય થઇ? હરિભક્તને ઓળખો નહિ;

બેસાડ્યા મિત્રને શય્યા ઉપર, ઢોળે વાયુ હરિ ઊભા રહી.


-પ્રેમાનંદ ( ‘સુદામાચરિત્ર’ પુસ્તક )


source:internate



0 Comments:

blogger templates | Make Money Online