જ્યાં હું જન્મી ત્યાં મને ભઠ્ઠીમાં સેકવામાં આવી
જ્યાં સુધી હું લાલ, સુક્કી અને કઠણ ન થઈ ગઈ ત્યાં સુધી
કારણ આપવામાં આવ્યું
કે મને તૈયાર કરવામાં આવી રહી હતી
મારે એક દિવસ “મારા પોતાના” ઘરનો હિસ્સો બનવાનું હતું
એ ઘરના તડકા છાયા સહેવાની તાકાત તો મારામાં હોવી જોઈએને!
અને પછી એક દિવસ હું આવી
“મારા પોતાના” ઘરે
અને આ “મારા પોતાના” ઘરના લોકોને
તડકો, ઠંડી અને વરસાદથી બચાવવા માટે
હું જડાઈ ગઈ ક્યાંક
આ ઘરની દિવાલોમાં
ઘરના બધાનું જીવન સરળ બને એટલા માટે
મેં એક ખડતર જીવન જીવ્યાં કર્યું
અને આ “મારા પોતાના” ઘરમાં
ભાગ્યે જ કોઈને ખ્યાલ છે
કે મારું પોતાનું,એમનાથી અલગ
કોઈ અસ્તિત્વ છે, હોઈ શકે કે હોવું જોઈએ
એમની વાત જવા દો
આટલા વર્ષો પછી
મનેય પાકો ખ્યાલ નથી કે
મારું એમનાથી અલગ કોઈ અસ્તિત્વ છે કે નથી
બધાને એમ છે
કે આ રીતે જીવવું એ જ તો મારું કર્તવ્ય છે
આ જ તો છે આપણી
હજારો વર્ષોની પરંપરા
મને ઓળખી?
હું છું
આ દેશના લાખો ઘરોમાં જોવા મળતી
“પોતાના” ઘર માટે
એ જ ઘરની દિવાલોમાં ક્યાંક જીવંત ચણાઈ ગયેલી
એક ઈંટ
આભારસહ http://hemkavyo.wordpress.com માંથી
0 Comments:
Post a Comment