આત્મકથા

જ્યાં હું જન્મી ત્યાં મને ભઠ્ઠીમાં સેકવામાં આવી

જ્યાં સુધી હું લાલ, સુક્કી અને કઠણ ન થઈ ગઈ ત્યાં સુધી


કારણ આપવામાં આવ્યું

કે મને તૈયાર કરવામાં આવી રહી હતી

મારે એક દિવસ “મારા પોતાના” ઘરનો હિસ્સો બનવાનું હતું

એ ઘરના તડકા છાયા સહેવાની તાકાત તો મારામાં હોવી જોઈએને!


અને પછી એક દિવસ હું આવી

“મારા પોતાના” ઘરે


અને આ “મારા પોતાના” ઘરના લોકોને

તડકો, ઠંડી અને વરસાદથી બચાવવા માટે

હું જડાઈ ગઈ ક્યાંક

આ ઘરની દિવાલોમાં


ઘરના બધાનું જીવન સરળ બને એટલા માટે

મેં એક ખડતર જીવન જીવ્યાં કર્યું


અને આ “મારા પોતાના” ઘરમાં

ભાગ્યે જ કોઈને ખ્યાલ છે

કે મારું પોતાનું,એમનાથી અલગ

કોઈ અસ્તિત્વ છે, હોઈ શકે કે હોવું જોઈએ


એમની વાત જવા દો

આટલા વર્ષો પછી

મનેય પાકો ખ્યાલ નથી કે

મારું એમનાથી અલગ કોઈ અસ્તિત્વ છે કે નથી


બધાને એમ છે

કે આ રીતે જીવવું એ જ તો મારું કર્તવ્ય છે

આ જ તો છે આપણી

હજારો વર્ષોની પરંપરા


મને ઓળખી?


હું છું

આ દેશના લાખો ઘરોમાં જોવા મળતી

“પોતાના” ઘર માટે

એ જ ઘરની દિવાલોમાં ક્યાંક જીવંત ચણાઈ ગયેલી

એક ઈંટ

-હેમંત


આભારસહ http://hemkavyo.wordpress.com માંથી










વેલેન્ટાઇનમાં

પ્રેમની પાછળ છે ચોક્કસ એઇમ વેલેન્ટાઇનમાં,

પ્રેમીઓ જબરી રમે છે ગેઇમ વેલેન્ટાઇનમાં

બાકીના ત્રણસોને ચોસઠ દી સખત ઝગડી શકે,

એટલે દર્શાવે અઢળક પ્રેમ વેલેન્ટાઇનમાં.


બંગડી બુટ્ટી, વીંટીં ને ગ્લાસ વેલેન્ટાઇનમાં,

ગીફ્ટ થઇ વેચાય છે ચોપાસ વેલેન્ટાઇનમાં,

પ્રેમમાં કંઇ પણ ચલાવી લે છે લોકો એટલે

આમ વસ્તુઓ ય થઇ ગઇ ખાસ વેલેન્ટાઇનમાં.


પ્રેમ પરના રાખશો જો ટાંચ વેલેન્ટાઇનમાં

સાચ ઉપર આવવાની આંચ વેલેન્ટાઇનમાં

નૃત્ય થઇ જાશે નક્કામો નાચ વેલેન્ટાઇનમાં

એકની પાછળ પડે જો પાંચ વેલેન્ટાઇનમાં.


source:internate

blogger templates | Make Money Online