વહુએ વગોવ્યાં મોટા ખોરડાં

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

source:internate

હળવે હાથે હથેળી ઉપર

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો
નામની સાથે સાથે સાજન સરનામું પણ ખાસ લખી દો
હળવે હાથે હથેળી ઉપર....

થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું
ભેલ સરીખું અળગું ક્યારે મળશો ક્યાં એ સ્થાન લખી દો
હળવે હાથે હથેળી ઉપર....

એકલતાનું ઝેર ભરેલાં વિંછી ડંખી લે તે પેહલાં
મારે આંગણ સાજન ક્યારે લઇ આવો છો જાન લખી દો
હળવે હાથે હથેળી ઉપર....

બહુ બહુતો બે વાત કરીને લોકો પાછા ભુલી જાશે
નામ તમારું મારા નામની પાછળ ખુલ્લેઆમ લખી દો
હળવે હાથે હથેળી ઉપર....

આભારસહ http://rankaar.blogspot.com માંથી
source:internate

કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે

કોની વનિતા, કોની માતા, ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી
મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને
નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો
અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી
કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી
કોઇના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં
આતમ-દીપક ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં

કોઇના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો
પાસે ધૂપસળી ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે
સહુ માતા ને ભગિની રે
ગોદ લેજો ધીરે ધીરે

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા
રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી
ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા
વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતાં

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી
જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી
અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે
કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી
લખજો: 'ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની'

source:internate

આંધળી માંનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે;
ગીગુભાઇ ગાંગજી નામે.

લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા'ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગીગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા'ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે'રે
પાણી જેમ પૈસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે ક્યાંથી કાઢશું બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળી દીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માંના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

આભારસહ http://www.mavjibhai.com માંથી
source:internate

પ્રાણિયા ભજી લે ને કિરતાર

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર
તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર
ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે
પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર


આભારસહ http://www.mavjibhai.com માંથી
source:internate

blogger templates | Make Money Online